Add parallel Print Page Options

ઈસુનું પક્ષઘાતી માણસને સાજા કરવું

(માથ. 9:1-8; લૂ. 5:17-26)

થોડા દિવસો પછી, ઈસુ ફરી પાછો કફર-નહૂમમાં આવ્યો. તે સમાચાર પ્રસરી ગયા કે ઈસુ ઘેર પાછો ફર્યો હતો. ઘણા લોકો ઈસુનો ઉપદેશ સાંભળવા ભેગા થયા હતા. ઘર ભરેલું હતું. ત્યાં દરવાજા બહાર પણ ઊભા રહેવાની જગ્યા ન હતી. ઈસુ આ લોકોને ઉપદેશ આપતો હતો. કેટલાક લોકો એક પક્ષઘાતી માણસને ઊંચકીને લાવતા હતા. પણ તેઓ તે માણસને ઈસુ પાસે લાવી શક્યા નહિ કારણ કે ઘર લોકોથી ભરેલું હતુ. તેથી તે માણસો ઈસુ જ્યાં હતો તે છાપરાં પર ગયા અને છાપરામાં બકોરું પાડ્યું પછી તેઓએ પક્ષઘાતી માણસ જે ખાટલામાં પડેલો હતો તે ખાટલો નીચે ઉતાર્યો. ઈસુએ જોયું કે આ માણસોને ખૂબ વિશ્વાસ છે, તેથી તે પક્ષઘાતી માણસને કહ્યું, “જુવાન માણસ, તારા પાપો માફ થયાં છે.”

કેટલાક શાસ્ત્રીઓ ત્યાં બેઠેલા હતા. ઈસુએ જે કર્યુ તે તેઓએ જોયું, અને તેઓએ તેઓની જાતને કહ્યું, “આ માણસ આમ કેમ કહે છે? તે જે કહે છે તે દેવની વિરૂદ્ધ છે. ફક્ત દેવ જ પાપોને માફ કરા શકે.”

ઈસુએ જાણ્યું કે આ શાસ્ત્રીઓ તેના વિષે આવી બાબતો વિચારતા હતા. તેથી ઈસુએ તેઓને કહ્યું, “તમારા મગજમાં આવા વિચારો કેમ આવે છે? આ પક્ષઘાતી માણસને શું કહેવું સરળ છે, તારા પાપ માફ થયા છે, કે તેને કહેવું, ઊભો થા, તારી પથારી લઈને ચાલ? 9-10 પણ હું તમને સાબિત કરાવી આપીશ કે માણસના પુત્રને પૃથ્વી પર પાપો માફ કરવાનો અધિકાર છે.” તેથી ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું. 11 હું તને કહું છું, “ઊભો થા, તારી પથારી ઊચકીને તારે ઘેર ચાલ્યો જા.”

12 તે પક્ષઘાતી માણસ ઊભો થયો. તેણે તેની પથારી લીધી અને ઓરડામાંથી બહાર ચાલ્યો ગયો. બધા લોકો તેને જોઈ શક્યા. લોકો નવાઇ પામ્યા અને દેવની સ્તુતિ કરી. તેઓએ કહ્યું, “આજ સુધી જોયેલી સૌથી આશ્ચર્યકારક બાબત આ છે.”

Read full chapter