Add parallel Print Page Options

યોહાનનો પ્રશ્ર

(માથ. 11:2-19)

18 યોહાનના શિષ્યોએ આ બધી વાતો યોહાનને કહી. યોહાને પોતાના શિષ્યોમાંથી બે શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા. 19 યોહાને તેઓને પ્રભુ (ઈસુ) ની પાસે મોકલીને પૂછાવ્યું કે, “જે આવનાર છે તે શું તું જ છે કે અમે બીજી વ્યક્તિની રાહ જોઈએ?”

20 તેથી તે માણસો ઈસુ પાસે આવ્યા. તેઓએ કહ્યું, “બાપ્તિસ્મા કરનાર યોહાને તારી પાસે અમને પૂછવા મોકલ્યા છે કે જે આવનાર છે તે શું તું જ છે કે પછી અમે બીજી આવનાર વ્યક્તિની રાહ જોઈએ?”

21 તે સમય દરમ્યાન, ઈસુએ ઘણા લોકોને માંદગીમાંથી, રોગોમાંથી અને ભૂંડા આત્માઓથી પીડાતાઓને સાજા કર્યા. ઈસુએ ઘણા આંધળાઓને સાજા કર્યા જેથી તેઓ ફરીથી દેખતા થઈ શકે. 22 પછી ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું, “જાઓ અને તમે અહીં જે જોયું છે અને સાંભળ્યું છે તે યોહાનને કહી સંભળાવો. આંધળા લોકો સાજા થયા છે અને જોઈ શકે છે. લૂલાં સાજા થયા છે અને ચાલી શકે છે. રક્તપિત્તિઓને સાજા કરવામાં આવે છે, બહેરાઓને સાજા કર્યા છે અને તેઓ સાંભળી શકે છે. મૃત લોકોને સજીવન કરવામાં આવ્યા છે. અને ગરીબ લોકોને દેવના રાજ્યની સુવાર્તા પ્રાપ્ત થાય છે. 23 અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહિ ખાશે તેને ધન્ય છે!”

24 યોહાનના સંદેશાવાહકો ગયા પછી ઈસુએ યોહાન વિષે લોકોને કહેવાનું શરૂ કર્યુ: “રેતીના રણમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને? 25 તમે બહાર શું જોવા ગયા હતા? શું સુંદર વસ્ત્ર પરિધાન કરેલા માણસને? ના, તો શું જેઓ ભપકાદાર વસ્ત્રો પહરે છે અને ભોગવિલાસ કરે છે કે જેઓ મહેલોમાં રહે છે. 26 ખરેખર, તમે શું જોવા માટે બહાર ગયા હતા? શું પ્રબોધકને? હા, અને હું તમને કહું છું, યોહાન એ પ્રબોધક કરતાં વધારે છે. 27 યોહાન વિષે આમ લખેલું છે:

‘સાંભળ! હું મારા દૂતને તારી આગળ મોકલું છું.
    જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે.’(A)

28 હું તમને કહું છું, આજ પર્યંત જે કોઈ જન્મ્યા છે તે સૌના કરતાં યોહાન વધારે મોટો છે. તો પણ દેવના રાજ્યમાં જે માત્ર નાનો છે, તે તેના કરતાં મોટો છે.”

29 (જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે તે બધાએ કબૂલ કર્યુ કે, દેવનો ઉપદેશ સારો હતો. જકાતદારો પણ સંમત થયા. આ બધા લોકો યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા. 30 પરંતુ ફરોશીઓ તથા શાશ્ત્રીઓએ તેમના માટેની દેવની યાજનાનો સ્વીકાર કરવાની ના પાડી. અને તેઓએ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામવા ના પાડી.)

31 “આ સમયના લોકો માટે હું શું કહું? હું તેઓને શાની ઉપમા આપું? તેઓ કોના જેવા છે? 32 આ પેઢીના લોકો તો બજારમાં કોઈ જગ્યાએ બેઠેલા બાળકો જેવા છે. એક બાળકોનું ટોળું બીજા બાળકોને બોલાવે છે અને કહે છે:

‘અમે તમારે માટે સંગીત વગાડ્યું,
    પણ તમે નાચ્યા નહિ;
અમે કરૂણ ગીત ગાયું,
    પણ તમે દિલગીર થયા નહિ.’

33 યોહાન બાપ્તિસ્ત આવ્યો અને બીજા લોકોની જેમ રોટલી ખાધી નહિ કે દ્ધાક્ષારસ પીધો નહિ, અને તમે કહો છો કે, ‘તેનામાં ભૂત છે.’ 34 માણસનો દીકરો બીજા લોકોની જેમ ખાતો અને પીતો આવ્યો છે. અને તમે કહો છો કે ‘એના તરફ જુઓ! તે વધારે પડતું ખાય છે અને ખૂબ વધારે દ્ધાક્ષારસ પીએ છે! તે જકાતદારોનો તથા ખરાબ માણસોનો મિત્ર છે!’ 35 પરતું જ્ઞાની પોતાના સર્વ કાર્યોથી યથાર્થ મનાય છે.”

Read full chapter