Add parallel Print Page Options

યહોવા કહે છે,

“હું જ્યારે ઇસ્રાએલનાં ઘા ને મટાડવા ઇચ્છતો હતો,
    ત્યારે સમરૂનનાં દુષ્ટ કૃત્યો પ્રગટ થયા
અને એફ્રાઇમના પાપો ખુલ્લા થયા,
    કારણકે તેઓ દગો કરે છે, ઘરોમાં ઘૂસી જાય છે અને શેરીઓમાં લૂટ ચલાવે છે.
લોકો કદી એવો વિચાર કરતા જ નથી કે, હું તેઓનું નિરીક્ષણ કરું છું.
    તેઓના પાપમય કાર્યોએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા છે
    અને હું તે સર્વ નિહાળું છું.
તેઓની દુષ્ટતામાં રાજા આનંદ અનુભવે છે
    અને તેઓના જૂઠાણામાં સરદારો રીઝે છે.
તેઓ બધા જ વ્યભિચારીઓ છે;
    તેઓ સળગતી ભઠ્ઠી જેવા છે
અથવા એ ભઠિયારા જેવા છે,
    જે લોટને મસળે ત્યારથી
તેને ખમીર ચઢે
    ત્યાં સુધી આગને સંકોરતા નથી.
આપણા રાજાના ઉત્સવનાં દિવસે રાજકુમારો મદિરાપાનથી ચકચૂર થઇ જાય છે.
    પછી હાંસી ઉડાવનારાઓ સાથે
    રાજા મદ્યપાન કરે છે.
કારણ ગુપ્ત યોજનાઓ બનાવતા
    તેમના હૃદય ભઠ્ઠીની જેમ ઉત્તેજનાથી તપતા હોય છે.
આખી રાત તેમનો આવેશ બળતો રહે છે
    અને સવારના તે આગનાં ભડકાઓમાં બદલાઇ જાય છે.
તેઓ બધા ભઠ્ઠીની જેમ ગરમ છે,
    ને પોતાના ન્યાયાધીશોને સ્વાહા કરી જાય છે,
તેઓના બધા રાજાઓ માર્યા ગયા છે;
    અને છતાં કોઇ મદદ માટે મારી પ્રાર્થના કરતું નથી.

ઇસ્રાએલ પોતાના વિનાશથી અજાણ

“ઇસ્રાએલના લોકો વિધર્મી પ્રજાઓ સાથે ભળે છે;
    એ તો ફેરવ્યા વગરની અધકચરી શેકાયેલી ભાખરી જેવા છે.
વિદેશીઓના દેવોની સેવા કરવાથી તેઓનું સાર્મથ્ય હણાઇ જાય છે.
    છતાં તેની ખબર એમને પડતી નથી.
તેમના માથાના વાળ સફેદ થયા છે, પણ તે જાણતો નથી કે,
    તેઓ કેટલા નબળા અને ઘરડા થઇ ગયા છે.
10 ઇસ્રાએલનું ગર્વ તેની વિરૂદ્ધ સાક્ષી પૂરે છે,
    તેમ છતાં એ લોકો પોતાના
દેવ યહોવાને શરણે આવતા નથી કે,
    નથી તેમને શોધવાનો પ્રયત્ન કરતા.
11 ઇસ્રાએલ મૂર્ખ કબૂતર જેવું બની ગયું, નિર્દોષ અને બુદ્ધિહીન,
    કોઇવાર તે મિસરની મદદ માગે છે,
    કોઇવાર તે અશ્શૂર તરફ મદદ માટે ફરે છે.
12 એ લોકો જ્યાં જશે
    હું તેમના પર મારી જાળ પાથરીશ
અને પકડાયેલા પંખીઓની જેમ
    તેમને નીચે જમીન પર ખેચી લાવીશ.
    હું તેમને પ્રબોધકોએ જે શબ્દો કહ્યાં હતા તે પ્રમાણે સજા કરીશ.
13 વિપત્તિ તેઓને! કારણકે તેઓએ મને છોડી દીધો છે.
    તેઓનો નાશ થશે! કેમકે તેઓએ મારી વિરૂદ્ધ બંડ પોકાર્યુ છે.
હું તેઓને બચાવી લેવા ઇચ્છતો હતો,
    પણ તેઓ મારા વિષે જૂઠ્ઠુ બોલ્યા છે.
14 તેઓ સાચા હૃદયથી મને પોકારતા નથી;
    તેઓ પથારીમાં પડ્યા પડ્યા ખેતીના પાક માટે રોદણાં રડે છે.
અને પોતાના શરીર ઉપર પ્રહાર કરે છે,
    તેમ છતાં તેઓ મારી વિરૂદ્ધ બંડ કરે છે.
15 તેમને સજા કરનાર અને બળવાન બનાવનાર હું છું,
    પણ તેઓ મને ઇજા કરવા યોજના કરે છે.
16 તેઓ પાછા આવે છે, પણ મહાન દેવ ભણી,
    સ્વર્ગ ભણી જોવાને બદલે નિર્માલ્ય દેવો ભણી પાછા વળે છે.
તેઓ નિશાન ચૂકી જનાર ધનુષ જેવા છે.
    તેઓના સરદારો પોતાની તોછડી અવિવેકી જીભને કારણે
તેઓ શત્રુઓની તરવારનો ભોગ થઇ પડશે
    અને મિસરના સર્વ લોકો તેઓની હાંસી ઉડાવશે.”