Add parallel Print Page Options

ભાગ ચોથો

(ગીત 90–106)

દેવના ભકત મૂસાની પ્રાર્થના.

હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.
    તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં;
    તે પહેલાંથી તમે જ દેવ છો;
    તમારી શરૂઆત નથી કે અંત નથી.

તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઇ જાઓ છો,
    અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરો.
કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે!
    અને રાતના એક પહોર જેવાં છે!
તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો;
અમારું જીવન એક સ્વપ્ન જેવું છે,
    અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.
તે સવારે ખીલે છે અને વધે છે;
    સાંજે સૂકાઇ જાય છે ને પછી ચીમળાય છે.
કારણ, તમારા કોપથી અમારો નાશ થાય છે,
    અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
તમે અમારાં બધાં પાપો,
    અને અમારા ગુપ્ત પાપો પણ જાણો છો
    અને તે બધાં તમે જોઇ શકો છો.
તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે;
    નિસાસાની જેમ અમે વર્ષો પૂરાં કરીએ છીએ.
10 અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે;
    કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે.
તો પણ શ્રેષ્ઠ વર્ષો મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે;
    કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે.
11 તમારા ક્રોધના બળને અને કોપને કોણ જાણી શકે?
    અને તમને ઘટે છે તેવો તમારો ભય કોણ રાખી શકે?
12 અમારા જીવન કેટલાં ટૂંકા છે તે તમે અમને શીખવો,
    જેથી અમે ખરેખર જ્ઞાની બની શકીએ.
13 હે યહોવા, અમારી પાસે પાછા આવો;
    પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો.
14 પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો.
    જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.
15 અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો;
    અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વર્ષો આપો.
16 તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો;
    અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.
17 અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ;
    અને અમને સફળતા આપો;
    અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો.